રસ્તામાં તરબૂચની દુકાન જોઈ.. મેં મારું એક્ટિવા બાજુ પર ઉભું રાખ્યું.. અને ત્યાં ગયો.. હું વિચારતો હતો.. આ સીઝનમાં એક પણ વખત તરબૂચ મારા પરિવાર માટે નથી લઈ ગયો.
આખર તારીખ હતી.. આગળ પગારમાં કેટલું મોડું થશે એ પણ ખબર ન હતી..
પણ સાથે સાથે વિચાર આવ્યો.. તરબૂચની સીઝન જતી રહેશે.. તો.. પરિવાર તો સમજુ છે.. એ કોઈ દિવસ મને નહીં કહે કે.. પપ્પા આ વખતે તરબૂચ કેમ ન લાવ્યા ? પણ હું આખું વર્ષ મારી જાત ને અપરાધી ગણતો રહીશ.
ત્યાં મારી નજર કેરીની પેટી ઉપર પડી.. મેં વિચાર્યું.. આ સીઝન ચાલુ થઈ ગઈ.. કેરી પણ ઘરે નથી લઈ ગયો.
કેરી અને તરબૂચ વચ્ચે એક મધ્યમવર્ગીય પરિવાર અટવાયો.. તો પણ હિંમત કરી.. મેં પૂછ્યું.. ભાઈ, કેરી ની પેટી નો ભાવ શું છે ?
એ બોલ્યો 900 રૂપિયા.. તમારા માટે 850 રૂપિયા.. 9kg આવશે.. એકદમ સાકાર જેવી મીઠી.. જુનાગઢની છે.. બોલો કેટલી પેટી આપું ?
એ બોલતો રહ્યો અને હું વિચાર માં ખોવાઈ ગયો પાકીટમાં ફક્ત રૂપિયા 2000 છે.. રૂપિયા 850 ની પેટી.. ના..ના.. ન લેવાય.
હું ધીરેથી બોલ્યો.. છતાં દુકાનદાર સાંભળી ગયો.. એ બોલ્યો.. કેમ ના ના કરો છો ?
મેં વાત બદલતા કીધું.. કેરી કાચી છે.. આ પહેલાં લઈ ગયો હતો.. 10 દિવસે માંડ પાકી હતી.
મનમાં તો હું જાણતો હતો.. ગયા વર્ષે પેટી લીધી હતી.. આ વર્ષે તો હજુ શુકન પણ ક્યાં કર્યા છે…?
પણ આજુબાજુ ઉભેલામાં વટ તો મારવો પડે..
અને આ તરબૂચ નો શું ભાવ છે ? મેં કેરી તરફ થી ધ્યાન બીજી તરફ વાળ્યું.
20 રૂપિયે કિલો…
હું ખુશ થયો.. મનમાં બોલ્યો.. આ આપણા બજેટમાં ફિટ થાય છે.. એટલે મેં મોટું તરબૂચ ગોત્યું…
મન માં વિચાર્યું.. કાલે રવિવાર છે.. આજે રાત્રે સમારી ફ્રિઝમાં મૂકી દઈશ.. અને રવિવારે બપોરે બધા આનંદ થી સાથે ખાશું…
દુકાનદાર જોરથી બોલ્યો.. સાહેબ સાત કિલો થાય છે.
હવે તો કોઈ સાહેબ કહે તો પણ ગાળો આપતો હોય તેવું લાગે છે.. અહીં અમને ખબર છે આખર તારીખ માં ટૂથપેસ્ટ પર વેલણ ફેરવિયે છીયે.. બ્લેડનો પણ કસ છેલ્લાં દિવસોમાં કાઢવા જતાં.. લોહી લુહાણ થઇ જઇયે છીયે..
અહીં અંડરવેર પણ બહારની દોરીએ સુકવાય નહીં.. તેવી દશા અને દિશા મધ્યમવર્ગની થઈ ગઈ છે..
અને આ લોકો.. સાહેબ સાહેબ કરી.. અને આપણી હવા ભરે છે.
મેં પણ કોલર ઉંચી કરી કીધું.. જેટલું થાય એટલું કરી દે.. મનમાં તો ટોટલ રકમ ગણી લીધી હતી.. ચલો 140 રૂપિયામાં રવિવાર ઉજવાઇ જશે.
અંદરથી ખુશી સાથે.. હું તરબૂચ લઈ ઘરે પહોંચ્યો..
બાળકો ખુશ થઈ ગયા.
હજુ મારી પત્ની મને ઠંડુ પાણી આપે છે.. ત્યાં મારી નાની દીકરી કહે પપ્પા.. સ્કૂલની વાન વાળા અંકલ આવ્યા હતા.
મારી પત્ની બોલી.. હજુ પપ્પાને બેસવા તો દે.
હું સમજી ગયો હતો.. ચાર મહિનાનું વાનનું ભાડું લેવા આવ્યો હશે.. હાથમાં પકડેલ ઠંડુ પાણી જાણે ગરમ થઇ ગયું હોય.. તેવો અનુભવ થયો.. છતાં પણ હિંમત હાર્યા વગર મેં કીધું.. હવે એ અંકલ આવે.. તો મારો મોબાઈલ નંબર આપી દેજે.. હું વાત કરી લઈશ.
અહીં રોજ સવાર પડે મુસીબતોનું લિસ્ટ સામે હોય.. સાંજ પડતાં તો લડતાં લડતાં થાકી જઇયે.. અને સવારે બીજું લિસ્ટ તૈયાર હોય.. અહીં મુસીબત સાથે લડતાં લોકો શીખી ગયા છે.. હવે કોઈ કોરોના સાથે લડવાની વાત કરે.. ત્યારે હસવું આવે.. સાથે કહેવાની ઈચ્છા પણ થાય આવી જા કોરોના.. તું પણ બાકી ન રહેવો જોઈએ.
શનિવારે રાત્રે આખો પરિવાર આનંદ સાથે તરબૂચ સમારવા બેઠો.. જેવા તરબૂચના બે કટકા થયા.. ત્યાં..
તરબૂચ મધ્યમવર્ગીય પરિવારના નસીબ જેવું નીકળ્યું..
સાત કિલો તરબૂચમાં ખાઈ શકાય તેવો ભાગ માત્ર કિલો પણ નહીં.. આખું તરબૂચ સફેદ.. વચ્ચેનો ખોબા જેવો ભાગ લાલ ખાવા જેવો.
ઘરના બધાં મારી સામે જોવા લાગ્યા.. જાણે તરબૂચ મેં બનાવ્યું હોય.. મેં પણ ભગવાનની સામે જોઈ ધીરે થી કીધું.. હે ભગવાન, સરકાર તો મધ્યમ વર્ગની મજાક ઉડાવે છે.. હવે તેં પણ ચાલુ કર્યું ?
મારી પત્ની ધીરે થી બોલી.. દુકાનવાળો છેતરી ગયો.
મેં કીધું.. ડાર્લિંગ.. આપણે એક તરબૂચ ખરાબ નીકળ્યું.. તે પણ દુકાનદારે નથી બનાવ્યું.. છતાં એ છેતરી ગયો એમ કહીયે છીયે.
મેં પરિવારને હિંમત આપતા કીધું.. ચિંતા ન કરો.. કાલે નવું તરબૂચ કપાવી ને આવીશ.
ત્યાં મારી નાની છોકરી બોલી.. પપ્પા તરબૂચ કરતાં.. કેરી જ લઈ આવજો.. હું તેની સામે જોઈ રહ્યો.. તેને કેમ સમજાવવું કે હવે પુરા બે હજાર રૂપિયા પણ પાકીટમાં નથી.
ત્યાં મારી પત્ની મારી આબરૂ બચાવવા વચ્ચે બોલી.. બેટા, આ વખતે કોરોના ના કારણે આપણે કેરી ન ખાવી જોઈએ.
હું ભીની આંખે તરબૂચ સામે જોઈ ઉભો થયો.. ખૂણામાં રાખેલ ભગવાન ની મૂર્તિ સામે જોઈ મનમાં બોલ્યો.. હે ભગવાન, કાં તો ભિખારી બનાવ.. કાં ધનવાન.. આમ અમને વચ્ચે લટકતા ન રાખ.. ગાલે તમાચા મારી મોઢું લાલ રાખતાં હવે થાક લાગે છે.. આ મારી નાની છોકરીને તું જ હવે જવાબ આપ.. કેરી ખવાય કે ન ખવાય ?
ત્યાં ઓચિંતો ડોર બેલ વાગ્યો..
મેં બારણું ખોલ્યું.. એક વ્યક્તિ કેરી ની પેટી લઈ ઉભો હતો..
દવે સાહેબ નું ઘર..
મેં કીધું.. ભાઈ ગાળો ન આપ..
એ બોલ્યો.. સાહેબ મેં ક્યાં ગાળો દીધી..
સાહેબ ન કહે.. બાકી બધું કહે.. ચાલશે.. બોલ શું હતું.
આ કેરીની પેટી.. આ પરચીમાં સિગ્નનેચર કરો..
મેં જોયું.. તો અમારી સ્ટાફની ક્રેડિટ સોસાયટી એ આ વખતે વ્યાજને બદલે બે કેરી ની પેટી મોકલી હતી..
ખૂણામાં રાખેલ ભગવાનની મૂર્તિ સામે જોઈ.. હું બોલ્યો.. સાચું બોલજે મુરલીધર, આ પેટી તેં જ મોકલી છે ને ?
ઘરમાં આનંદ છવાઈ ગયો.. ત્યાં મારી નાની છોકરી બોલી.. પણ પપ્પા, કેરી તો ન ખવાય.. એવું મમ્મી હમણાં કહેતી હતી.
મેં તેના માથે હાથ ફેરવી કીધું.. બેટા આ સ્પેશ્યલ દવા છંટાવી તારા માટે જ મંગાવી છે.
હું અને મારી પત્નિ ભગવાનની મૂર્તિ સામે ભીની આંખે જોઈ બોલ્યા.. પ્રભુ, આ મધ્યમવર્ગ જીવે છે ફક્ત તારા ભરોસે.. અમારી શ્રદ્ધા ડગી જાય તેવું વાતવરણ ઊભું થઇ રહ્યું છે..
મારાથી સ્માઈલ આપતાં બોલાઈ ગયું.. હે પ્રભુ, હવે તારી કસોટી છે..
જોઈએ તું જીતે છે.. કે અમે હારીયે છીયે..
ચોપાટ માંડી છે તારણહાર તે..
હારીશ નહીં.. થાકિશ જરૂર..
ફેંકવા હોય એમ ફેંકજે પાસા..
દાવ મારો પણ બાકી છે..
હારવા રમ્યો નથી.. જીત મારી પાકી છે..
આજ ભલે પડે અવળાં પાસા મારા..
કાલ તો હજી મારી બાકી છે..
સ્ત્રોત : અનામી પિતા
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.













![[Java] Find Java Version From Any Compiled Class Files](https://i0.wp.com/www.9mood.com/wp-content/uploads/2023/09/java-class-file-version-check.png?resize=200%2C150&ssl=1)

0 Comments