એક આળસુ છોકરો હતો. તેને નિશાળે જવું ગમતું ન હતું. તેની સાથે કોઈ રમનાર નહિ હોવાથી તે એક દિવસ કોઈની રાહ જોતો રસ્તા ઉપર ઉભો હતો તેવામાં તેને એક ડાઘીઓ કુતરો મળ્યો.
છોકરો – (કુતરાને) કેમ ડાઘીઆ, તું મારી સાથે રમીશ ?
ડાઘીઓ – નારે ભાઈ, મારે તો બહુ કામ છે. મારે મારા શેઠના ઘરની ચોકી કરવાની છે. જો હું તારી સાથે રમવા રહું, તો મારા શેઠના ઘરમાંથી ચોર સુખેથી ચોરી કરી જાય તો ! ( કુતરો એમ કહી ચાલ્યો જાય છે. )
છોકરો – ( ચકલીને દેખીને ) ચકલીબાઈ, ચકલીબાઈ, તમે મારી સાથે રમવા આવશો ?
ચકલી – નહિ ભાઈ, હું તારી પેઠે કામ વિનાની નથી. મારે તો હજુ મારાં બચ્ચાં માટે દાણા લેવા જવું છે, અને માળો બનાવવા માટે ઘાસનાં તણખલાં, રૂ, અને ઊન લાવવાનું છે.
( આટલું કહીને ચકલી ઉડી જાય છે. )
છોકરો – ( મધમાખીને જોઈને ) મધમાખી બાઈ, તમે અહીં તહીં ઉડ્યાં કરો છો, તેના કરતાં મારી સાથે રમવા ન આવો ?
મધમાખી – અરે ભાઈ ! મને તો જરાએ નવરાશ નથી. મારે હજુ બાગમાં જવાનું છે, અને ત્યાં જઈ ફૂલ ઉપર બેસવાનું છે. પછી ફૂલનો રસ ચૂસી તે રસમાંથી મધ અને મીણ બનાવવાનાં છે. ભાઈ, માટે મને તારી સાથે રમવા રહેવું પરવડે એમ નથી.
( એકદમ ઉડી જાય છે. )
છોકરો – ( ઘોડાને આવતો દેખી ) આ ઘોડાને કંઈ કામ હોય તેમ લાગતું નથી. લાવને તેને જરા પૂછી જોઉં. કેમ અલ્યા, તું મારી સાથે રમશે ?
ઘોડો – ભાઈ, મારે તો મારા શેઠને આજે બીજે ગામ લઈ જવાના છે. તે ગામ ઘણું દૂર છે, તેથી મારે જલદી જવું જોઈએ, મને તારી સાથે વાત કરવાની નવરાશ નથી તો વળી રમવાની નવરાશ ક્યાંથી કાઢું ?
( ઘોડો દોડી જાય છે. )
છોકરો – ( ગધેડાને જોઈને ) ખરું જ કહું છું કે આ ગધેડાને કંઈ જ કામ નહિ હોય. ( ગધેડાને રમવા બોલાવે છે. )
ગધેડો – છોકરા, તું મારા કરતાં પણ ખરાબ જણાય છે. લોકો મને મૂર્ખ કહે છે, પણ હું તારા જેવો આળસુ નથી તે જાણીને આજે મને આનંદ થાય છે. મને તારી પેઠે વખત નકામો કાઢવો પરવડે એમ નથી. જો, હું તો બબડ્યા વિના દરરોજ મારૂં કામ કર્યા જ જાઉં છું; કુંભારવાડેથી ઈંટો, નળીઆં, ઘડા, તાવડી, જાતજાતનાં માટીનાં રમકડાં, વગેરે અનેક ચીજો ખેંચી લાવું છું. મારે હજુ બહુ કામ છે.
( ભૂંકીને ચાલતો થાય છે. )
ગધેડાના આ શબ્દો સાંભળી તે છોકરો ઘણો જ શરમાઈ ગયો, અને વિચાર કરવા લાગ્યો, જે શું ! હું પશુપક્ષી અને જીવજંતુ કરતાં પણ ખરાબ છું ? શું ? હું એટલો બધો આળસુ છું કે તે બધાંથી હું ઉતરતો છું ? મેં આટલા બધા દિવસ નકામા ગુમાવ્યા તે શું ઠીક કર્યું ? આમ પસ્તાતો પસ્તાતો તે ઘેર ગયો, અને બીજા દિવસથી જ નિશાળે જવા લાગ્યો અને મહેનત કરી ભણવા લાગ્યો.
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments