એક પ્રાઇવેટ લિમિટેડ કંપની માં ઇન્ટરવ્યુ આપવા ગયેલી રોમાને ઈન્ટરવ્યુ લેનાર બોસ અવિનાશે પૂછ્યું કે આ નોકરી બદલ તમે પગાર પેટે કેટલા રૂપિયાની અપેક્ષા રાખો છો…???
રોમા એ પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે ઓછા માં ઓછા પચાસ હજાર…!!!
અવિનાશે આગલો પ્રશ્ન કર્યો કે શું તમને કોઈ ગેમ્સ (રમત ) માં દિલચસ્પી છે…???
રોમાએ કહ્યું કે હા મને શતરંજ (ચેસ) રમવી ખૂબ ગમે .
અવિનાશે ઉત્સુકતા થી પૂછ્યું કે ચેસ માં તમને કયું મ્હોરું સૌ થી વધુ ગમે..??
રોમાના ચહેરા પર મંદ મંદ હાસ્ય રેલાયું અને આંખોમાં ચમક સાથે એમણે કહ્યું કે વઝીર…!!!
અવિનાશે કહ્યું કે અનોખી ચાલ તો ઘોડાની હોય છે , છતાં વઝીર કેમ..???
રોમાએ ગંભીરતા સાથે કહ્યું કે વઝીર માં હર એક મહોરાની ખાસિયત હોય છે , એ ક્યારેક પાયદળની જેમ આગળ વધીને રાજાને બચાવે છે , ક્યારેક તીરછી ચાલ ચાલીને બધાને ચોંકાવી પણ દે છે , પણ…એનું લક્ષ્ય માત્ર ઢાલ બનીને રાજાની રક્ષા કરવાનું જ હોય છે…!!!
અવિનાશ ને રોમાની વાત ગમી એટલે એમણે કહ્યું કે તો રાજા બાબતે તમારો શું અભિપ્રાય છે…???
રોમાએ જરા પણ ખચકાટ વગર કહ્યું કે રાજા સૌથી વધુ કમજોર મહોરું છે . એ પોતાની રક્ષા કરવા માટે પણ માત્ર એક જ ડગલું આગળ કે પાછળ ચાલી શકે છે. જ્યારે વઝીર બધી દિશાઓ માં થી એની રક્ષા કરતો હોય છે…!!
અવિનાશ ને મજા આવી રહી હતી એટલે એણે વધુ એક પ્રશ્ન કર્યો કે તો તમે પોતાની જાતને ક્યાં મહોરાં સાથે સુસંગત માનો છો…???
રોમાએ જરા પણ અટક્યા વગર તુરંત જવાબ આપ્યો કે , " રાજા "..!!
અવિનાશ થોડો મૂંઝાયો અને ફરી પૂછ્યું કે તમે તો રાજાને કમજોર મહોરું માનો છો..તો પછી પોતાની જાત ને રાજા સાથે કેમ સરખાવી રહ્યા છો…???
રોમાએ હવે થોડા ગંભીર થઈને કહ્યું કે હું રાજા છું અને મારો પતિ મારો વઝીર હતો.. એ હમેશા મારી રક્ષા કરતો, હરએક મુશ્કેલ પરિસ્થિતિ માં થી એ મને બચાવી લેતો , પરંતુ હવે એ શતરંજ અને મને બન્ને ને છોડીને ચાલ્યો ગયો છે…!!
અવિનાશને આ વાત સાંભળી થોડો ધક્કો લાગ્યો એટલે એણે પૂછ્યું કે તમે આ નોકરી શા માટે કરવા માંગો છો…???
વઝીર બની ગયેલી રાણી: એક સશક્ત મહિલાની પ્રેરણાદાયક વાર્તા | Comic art by Author
રોમાની આંખોના ખૂણા થોડા ભીના થયા અને એક ઊંડો શ્વાસ લઈને એણે કહ્યું કે મારો વજીર આ દુનિયા છોડીને જતો રહ્યો છે એટલે હવે મારે પોતાને જ વઝીર બનીને ને મારી અને મારા સંતાનોની જવાબદારી ઉઠાવવાની છે ..!!!
ઓફિસ માં થોડી વાર માટે નીરવ શાંતિ છવાઈ ગઈ , અવિનાશે ઊભા થઈ રોમાને સેલ્યુટ કર્યું અને કહ્યું કે ખૂબ સરસ રોમાજી આપ એક સશક્ત મહિલા છો હું આપના થી ખૂબ પ્રભાવિત થયો છું , આ પોસ્ટ માટે તમને પસંદ કરવા માં આવી રહ્યા છે …ખૂબ ખૂબ અભિનંદન…!!!
આ નાનકડી વાર્તા એવી તમામ મહિલાઓ ને અર્પણ જે મુશ્કેલ હાલત માં પણ પોતાની હિંમત અને સૂઝબૂઝ થી રસ્તો કાઢી અને આગળ વધી ચૂકી છે , અને એવી તમામ મહિલાઓ માટે પ્રેરણારૂપ છે કે જે મુશ્કેલ આવી હાલત માં થી પણ રસ્તાઓ કાઢી શકે એમ છે…!!!
સ્ત્રી ક્યારેય માત્ર એક પત્ની કે માં નથી હોતી એ એક યોદ્ધા પણ હોય છે જે ગમે તેવા પડકારો સામે લડીને પણ પોતાના પરિવાર અને સંતાનોને સાંચવી લેતી હોય છે ..!!!
સ્ત્રીમાં બન્ને ગુણ હોય છે , પતિની હયાતી માં એક આદર્શ ગૃહિણી બનીને ઘર સંભાળી લેતી પત્ની પતિની ગેરહયાતીમાં ઘરનો મોભ બની જવા માં પણ પાછી પાની નથી કરતી…!!!
જીવન માં સંજોગો ગમે તેવા આવે પણ જો આત્મવિશ્વાસ અને સમજદારી હોય તો હર પડકાર સામે લડી શકાય છે…!!
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.















0 Comments