ડિજિટલ કરન્સી એ ચલણ છે જે ફક્ત કમ્પ્યુટર અથવા મોબાઇલ ફોનથી જ ચાલે છે કારણ કે તે ફક્ત ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. આ કારણથી પૈસાની લેવડદેવડ માટે કોઈ વચેટિયાની જરૂર પડતી નથી. ઘણીવાર પૈસાની લેવડદેવડમાં વચ્ચેનો દલાલ અમુક પૈસા તમને ટ્રાન્સફર ફી ના નામે ચાર્જ કરતા હોય છે તે ડિજિટલ કરન્સીમાં કોઈ વધારાનું ચુકવણું આપવાનું રહેતું નથી.
તમે જો તમારો વેપાર ધંધો ફક્ત ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ કરતા હો અથવા વારંવાર વિદેશ પ્રવાસ કરતા હો ત્યારે તમારા પૈસાને બીજા દેશની કરન્સીમાં ચૂકવવા માટે કોઈ વધારાનો પ્રોસેસ કરવો પડતો નથી. ઇન્ટરનેટના એક જ નેટવર્ક હેઠળ બે જુદી જુદી કરન્સીઓમાં લેવડદેવડ કરવી હોય તો ડિજિટલ કરન્સી એ ઉત્તમ ઉપાય છે.
અત્યારે તમે જે કિસ્સામાં કાગળની ચલણી નોટ રાખો છો એને અંગ્રેજીમાં ફિયાટ કરન્સી કહેવાય છે, આ ચલણી નોટ છાપવા માટે તથા એને જાળવવા માટે અને સમય સમયે એનું ઉત્પાદન કરવામાં તથા ફાટી ગયેલી ચલણી નોટો બદલવામાં દરેક દેશોની સરકારને ખૂબ ખૂબ ખર્ચો થાય છે પણ ડિજિટલ કરન્સીને કારણે આ ખર્ચ લગભગ નહિવત થઈ જાય છે. સરકારને ડિજિટલ કરન્સી જાળવવા માટે ફ્કત એક નેટવર્કની જ જરૂર હોય છે એથી વધુ કંઈ કરવાનુ રહેતું નથી.
ડિજિટલ કરન્સીનો સૌથી મોટો ફાયદો ભ્રષ્ટાચાર રોકવામાં મદદ થાય તે છે. ઘણી વખત તમારે સરકારી કામકાજ અથવા કોઈ જરૂરી કામ માટે પૈસા ભરવાના હોય તો કચેરીમાં એ કામ માટે ભાવતાલ થઈ શકે છે પણ એ જ પૈસા જો તમારે ડિજિટલ કરન્સીના સ્વરૂપે ઓનલાઈન ભરી દેવાના હોય તો ત્યાં વચેટિયાઓને ભ્રષ્ટાચાર કરવાની તક મળતી નથી આ ડિજિટલ કરન્સીનો આ સૌથી મોટો ફાયદો છે.
ડિજિટલ કરન્સી ને લીધે કાગળની ચલણી નોટોમાં થતી છેતરપિંડી અથવા તો બનાવટી નોટો જે વ્યવહારમાં આવી જાય છે એની ઉપર સખત કાબુ મેળવી શકાય છે. બેંકમાં તમારે બે ત્રણ ખાતા હોય તો બેંકમાં ધક્કો ખાધા વગર ડિજિટલ કરન્સી એક ખાતામાંથી બીજા ખાતામાં ઝડપથી ટ્રાન્સફર કરી શકાય છે. ઘણી વખત કોઈ ના પૈસા લેણા નીકળતા હોય અને ચેકથી પૈસા આપે તો ચેક બાઉન્સ થવાની શક્યતા રહેલી છે પણ તમે એ પૈસા ડિજિટલ કરન્સીમાં માગો તો ચેક્ બાઉન્સ થવા માટેની કોઈ શક્યતા રહેતી નથી. તમારા દેશમાં ડિજિટલ કરન્સી જેટલી વધશે એટલો આંતરરાષ્ટ્રીય વેપાર વધશે અને એથી દેશને ઘણો ફાયદો થાય છે અને એથી જ અત્યારની ભારત સરકાર ડિજિટલ કરન્સી માટે ખૂબ ઉત્તેજન આપે છે અને સાથે સાથે ઓનલાઇન જે છેતરપિંડીઓ થાય છે એ માટે પણ તમને સતત સાવચેત રહેવાનું જણાવે છે.
ભારતમાં ડિજિટલ કરન્સી લાવવાનું બહુ જ મહત્વ નું છે કારણ કે આટલા મોટા દેશની આટલી વિશાળ વસ્તીના નાણાકીય વ્યવહારો જો સરકારને ડિજિટલ કરન્સીને કારણે ખબર પડે તો સરકાર દ્વારા ઘણી બાબતોમાં અંકુશ આવી શકે છે. સરકારનો મુખ્ય ધ્યેય કાળા નાણાને બજારમાં ફરતું અટકાવવાનો છે અથવા તમામ ચીજ વસ્તુઓનો ભાવ વધારો એટલે કે ફુગાવો ડામવા માટે ડિજિટલ કરન્સી ભારતમાં અતિશય લાભકારી છે. ભારત જેવા દેશમાં મોટા ઉદ્યોગો છે એના કરતાં લઘુ ઉદ્યોગો એટલે કે સ્મોલ બિઝનેસ બહુ મોટા પ્રમાણમાં છે અને આ લઘુ ઉદ્યોગોને ડિજિટલ કરન્સીને કારણે પોતાના ધંધા ચલાવવાનું બહુ આસાન થઈ ગયું છે. તમે ઘરેથી પૈસા લેવાનું પાકીટ ભૂલી ગયા હોય પણ પાણીપુરી ખાવાનું મન થાય તો તમારા ડિજિટલ વોલેટમાંથી ડિજિટલ કરન્સી કાઢીને પાણીપુરી પણ ખાઈ શકો છો એ જ ડિજિટલ કરન્સી ની મોટી કરામત છે.
છેલ્લે એક વાત કરું તો ડિજીટલ કરન્સીની સરખામણી ભગવાન સાથે થઈ શકે છે કારણ કે ડિજિટલ કરન્સીનું અસ્તિત્વ હોય એ હકીકત છે પણ તમારી સામે એ ભૌતિક સ્વરૂપમાં દેખાય નહીં છતાં તમારો વ્યવહાર ચાલતો રહે છે એ જ કારણસર ડિજિટલ કરન્સી ભારત માટે બહુ લાભદાયી છે.
સ્ત્રોત: કેતન ઉપાધ્યાય દ્વારા
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments